અનુગુપ્તકાલીન ભારત
ભારતના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ વિશેષતા એ જોવા મળે છે કે જ્યારે કોઈ એક વિશાળ સામ્રાજ્યનો અસ્ત થાય ત્યારે ભારત અનેક નાનાં નાના રાજ્યોમાં વિભાજિત થાય છે. તેઓ વચ્ચે સત્તાની સાઠમારી ઊભી થાય છે. ખાસ કરીને ઉત્તર ભારતના દોઆબ ( ગંગા યમુના નદી વચ્ચેનો પ્રદેશ ) અને દક્ષિણ ભારતના દોઆબ ( કૃષ્ણા અને તુંગભદ્રા નદી વચ્ચેનો પ્રદેશ ) અને ગુજરાતનાં મામલે સંઘર્ષ દ્રઢ બને છે. જે સત્તા ઉપર્યુક્ત સ્થળો પર પોતાનું આધિપત્ય સ્થાપે તે હમેશા ભારતના રાજતંત્રમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તે સ્વાભાવિક છે. લગભગ ઇ.સ. ૫૫૦ ની આસપાસ ગુપ્ત સામ્રાજ્યના પતન બાદ ભારતમાં આવી રાજકીય પરિસ્થિતી નિર્માણ પામી. મગધની મહાસત્તાનો અસ્ત થવો પાશ્ચાતવર્તી ગુપ્ત રાજાઓની સત્તા બહુજ ટૂંકી થઈ ગય અને કનોજના મૌખરી, થાણેસરના પુષ્યભૂતિઓ, દક્ષિણપથના ચાલુક્યો, કાંચિના પલ્લવો, વલભીના મૌત્રકો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, ગૌંડો અને દક્ષિણગુજરાતાના ગુર્જરો, ઉત્તરકાલીન ગુપ્તો, કાશ્મીરના કર્કોટકો, નેપાળના લિચ્છવીઓ, કામરૂપના રાજવંશ, ઓડિસ્સાના રાજવંશ, મેવાડના ગોહિલો, સિંધના હિન્દુઓ અને બાદ આરબો, અપરાંતના ત્રૈકુટકો, માહિસ્મતીના કલ્ચુરીઓ, આંધ્રના વિષ્ણુકુંડીઓ, કલીગના પૂર્વીગંગો, દક્ષિણ કોશલના રાજવંશો, કુંતલના કંદબો, ઉડીપીના આળુપો, કર્ણાટકના પશ્ચિમી ગંગો, આંધ્રના બાણ વંશીઓ, તમિલનાડુના પાંડય રાજાઓ વચ્ચે ભારતના વિભિન્ન મહત્વપૂર્ણ ભૂમિભાગો પર આધિપત્યના મામલે સંઘર્ષ શરૂ થયો. આ સંઘર્ષ એ ભારતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના સુધીના 500 વર્ષના ગાળામાં સતત જોવા મળે છે. કેટલાક ઈતિહાસકારો સમ્રાટ હર્ષવર્ધનના સમયા બાદથી લઈને દિલ્હી સલ્તનતની સ્થાપના સુધીના સમયને અંધકારયુગ તરીકે ઓળખાવે છે. તો મોટા ભાગના ઈતિહાસકારો તેને રાજપૂતયુગથી સમજાવે છે. કેટલાક માર્ક્સવાદી ઈતિહાસવિદો ભારતીય સામંતવાદના પરિપ્રેક્ષ્યમાં આ સમગ્ર પૂર્વ- મધ્યકાલીન ભારતને સામંતવાદી ભારત તરીકે ચિત્રણ કરે છે. આવા વિભિન્ન મતમતાંતરો આ સમયના ઇતિહાસ સાથે સંકળાયેલ છે.
અનુગુપ્તકાલીન ભારતીય રાજાઓમાં મુખ્યત્વે આપણે હર્ષવર્ધનની ચર્ચા કરીશું જે થાણેસરના પુષ્યભૂતિ વંશ સાથે સંકળાયેલ હતા. પૂર્વ પંજાબના શ્રીકંઠ નામના પરદેશમાં સરસ્વતી નદીના કિનારે સ્થાણવિશ્વર જે પછીથી થાણેસર કે થાનેસ્વર તરીકે ઓળખાતું હતું. એ નાનું રાજનાગર હતું. તેના સ્થાપક શાસક પુષ્યભુતીના નામ પરથી તે પુષ્યભૂતિ વંશના શાસન તરીકે ઓળખાયું. આ પુષ્યભૂતિ રાજા વૈશ્યવર્ણનો હતા. આ વંશમાં પ્રભાકરવર્ધન નામનો એક અગત્યનો શાસક થયો. જેને રાજ્યવર્ધન, હર્ષવર્ધન અને રાજ્યશ્રી નામના ત્રણ સંતાનો હતા. તેની પત્નીનું નામ રાણી યશૂમતિ હતું. પ્રભાકરવર્ધનના મૃત્યુ બાદ કનોજ પર માલવરાજે આક્રમણ કરતાં એક વિચિત્ર પરિસ્થિતી ઊભી થઈ. રાજકુમારી રાજ્યશ્રી કનોજના રાજા ગૃહવર્માને પરણી હતી. માલવરાજે કનોજ જીતી ગૃહવર્માની હત્યા કરી રાજયશ્રીને કેદ કરી. બરાબર આજ સમયે રાજવર્ધન જે પ્રભાકરવર્ધાનનો મોટો પુત્ર હતો. તે ઉત્તરાપથમાં હુણોની સાથે યુદ્ધમાં વ્યસ્ત હતો. તે રાજયશ્રીના સમાચાર મળતા થાનેસાર પોતાની સેના સાથે પાછો ફર્યો અને માલવરાજને હરાવ્યો. આ મળવરાજ દેવગુપ્ત નામનો રાજા હોવાનું સ્પષ્ટ થયું છે. મળવરાજની મદદ કરવા ગૌડ રાજ્યનો શક્તિશાળી શાસક શશાંક આવતા રાજયવર્ધનની પરિસ્થિતી વધુ બગડી. શશાંકે દગાફટકાથી રાજયવર્ધનની હત્યા કરાવી નાંખી. આ સમયે હર્ષવર્ધન પર કનોજ અને થાનેસર એમ બન્ને રાજ્યની બેવડી જવાબદારી આવી પડી. તેણે શક્તિ અને કૂટનીતિથી આ પરિસ્થિતી પર વિજય મેળવી ચક્રવર્તિની સિદ્ધિ પ્રાપ્ત કરી.
સમ્રાટ હર્ષ : ઇ.સ. 606 માં તેણે રાજ્યારોહણ કર્યું જણાય છે. ગૌડ રાજ શશાંક એ તેના મુખ્ય હરીફ ગણાવી શકાય. રાજયશ્રીને તેના કારાગારમાથી તે છોડાવી લાવ્યા છે અને શશંકની રાજધાની પર આક્રમણ કરી તેને હરાવે છે.તેવી આર્ય મંજુશ્રી મૂલકલ્પ નામના પુસ્તકમાથી સ્પષ્ટ થાય છે. સમ્રાટ હર્ષે 619 સુધીમાં મગધ અને ઓડિસ્સા સુધી પોતાની સત્તા વિસ્તારી હતી. જો કે ગૌડ વંશનું સંપૂર્ણ નિકંદન તે કાઢી શક્યો ન હતો. સમ્રાટ હર્ષના વિજયો તેના શાસન અને તેના ધાર્મિક કાર્યો વિષે બાણભટ્ટે રેચલ હર્ષચરિતમ ઘણી માહિતી આપે છે. જો કે બાણે પોતાના રાજાની મિથ્યાપ્રશંશા પણ તેમાં કરી હોય તેવું જણાય છે. હર્ષવર્ધને સારસ્વત, ગૌડ, કાન્યકુબ્જ (કનોજ ), મીઠીલા( વિદેહ ), અને ઉત્કલ ( ઓડિસ્સા) પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું હતું. હયું-એન-ત્સાંગના મતે હર્ષવર્ધને કોઈ રાજ પદવી ધારણ કરી ન હોતી પરંતુ રાજપુત્ર અને શિલાદિત્ય જેવા નામ ધારણ કરી કનોજ ની ગાદી સાચવી હતી. જો કે સમય જતાં તેણે પોતાના બહેનના રાજ્ય કનોજને પોતાના સીધા આધિપત્યમાં લઈ લીધાનું જણાય છે. હયુ- એન- ત્સાંગના સમય તે કનોજના રાજા તરીકે જ પ્રખ્યાત થઈ ચૂક્યો હતો અને તેના દાન શાસનોમાં તેનો ઉલ્લેખ મહારાજાધિરાજ અને ચક્રવર્તી જે બિરુદોથી થયેલો છે. જો હયુ- એન- ત્સાંગને ધ્યાનમાં રાખીએ તો તેણે 606 માં રાજપુત્ર કે શીલાદિત્ય તરીકે સત્તાના સૂત્રો હાથમાં લીધા હશે અને ઇ.સ. 612 માં વિધિવત રીતે રાજયાભીશેખ કરાવીને રાજયારોહણ કર્યું હશે.
હર્ષવર્ધન એ ઉતરાપથ સ્વામી તરીકે કે ઉત્તરના સ્વામી તરીકે આલેખાયેલો છે. તેના સમકાલીન શક્તિશાળી રાજાઓમાં વલભીના મૈત્રક વંશના રાજા ધ્રુવસેન હતા તેમજ રાજસ્થાનના ગુર્જર,નાંદિપુરના દદ અને સૌથી વધારે મજબૂત ચાલુક્ય પુલકેશી બીજાનો સમાવેશ થાય છે. હર્ષવર્ધને પોતાની રાજકુંવરીના વિવાહ વલભીના ધ્રુવસેન સાથે કરી અને અન્ય રાજકુંવરીના વિવાહ દક્ષિણ ગુજરાતનાં શાસક દદ સાથે કરી લગ્નસંબંધો દ્વારા તેમની સાથે સંબંધો વિકસાવ્યા હતા. રાજા ધુવસેન હર્ષવર્ધનના જમાઈ થયા બાદ એ બંને વચ્ચે શાંતિ પ્રવર્તતી હતી. સિંધુ પ્રદેશના રાજાને હર્ષે હરાવ્યો અને સિંધુથી ગૌડ સુધીના પ્રદેશને પોતાના આધિપત્ય નીચે લાવી તેણે સકળ ઉતરાપથ સ્વામિત્વનું બિરુદ પ્રાપ્ત કર્યું હશે. જોકે દક્ષિણાપથમાં તેને આવી સફળતા મળી ન હતી. ચાલુક્ય રાજા પુલકેશી સત્યાશ્રયે કે પુલકેશી બીજાએ ઉતરાપથના આ સ્વામીને ભારે પરાજય આપ્યો હતો. પુલકેશી દક્ષિણાપથનો પરમેસ્વર ગણાતો હતો. બાણના હર્ષચરિતમમાં હિમાચલના રાજાઓ પણ હર્ષને ખંડણી આપતા હતા તેવો ઉલ્લેખ છે. તેના દરબારમાં અને સામંત રાજાઓ હાજરી પુરાવતા હર્ષના મળી આવેલા તામ્રપત્રો કે તામ્રશાસનો પરથી તેની સત્તા ઉત્તરના બરેલી સુધી પ્રવર્તતી હતી તેવું સ્પષ્ટ થાય છે. કાશ્મીર અને પશ્ચિમ- પંજાબના મોટા ભાગના રાજ્યો સ્વતંત્ર હતા. આસામ, ગુજરાતનાં રાજાઓ તેના મિત્રો હતા. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે મોટાભાગના રાજાઓ એ તેનું આધિપત્ય સ્વીકાર્યું ન હોતું. વી.સ. 363 એટલેકે 606ને હર્ષસંવત તરીકે પ્રચલિત કરવામાં આવ્યું હતું. જે ઉત્તરાપ્રદેશમાં અને નેપાળમાં ઘણા વર્ષો સુધી અમલમાં હતો.
બાણ અને હયુ- એન- ત્સાંગ જેવા તેના સમકાલીન આશ્રિતોએ હર્ષનું જે ચિત્રણ કર્યું છે તેનાથી તે અત્યંત પ્રતાપી અને ધર્મ અને શિક્ષણનો અનુરાગી હોવાનું જણાય છે. શરૂઆતમાં તે પરમ માહેસ્વર એટલે કે શૈવભક્તિમાં માણનારો હતો. તેની મુદ્રામાં પણ ઋષભ અંકિત થયેલો છે. રાજેશ્રીની શોધમાં વિધ્યાંચળના જંગલોમાં એક બૌદ્ધ સંત દિવાકર મિત્ર સાથે સત્સંગ થતાં બંને ભાઈ- બહેન બૌદ્ધ ધર્મમાં આસ્થા ધરાવતા થયા હતા.ચીનના સાધુ હયુ- એન ત્સાંગને તેણે કામરૂપથી પોતાના રાજયમાં આમંત્રિત કરી ભવ્ય આગતાસ્વાગતા કરી હતી.
સમ્રાટ હર્ષે કનોજ માં એક ધર્મપરિષદનું હયું- એન- ત્સાંગનું અધ્યક્ષપદે આયોજન કર્યું હતું. તેમાં ભગવાન બુદ્ધની રાજાના શરીર જેટલી ઊચી સોનાની મુર્તિ પધરાવવામાં આવી હતી. ગંગાકિનારે તે માટે 30 મીટર જેટલી ઊચો સ્તંભ પણ નિર્મિત કરવામાં આવ્યો હતો. બુદ્ધની નાની પ્રતિમાને અંબાડી પર બિરાજમાન કરાવી. તેની નગરચર્યા કરવામાં આવતી. માર્ગમાં અને ચૈત્યસ્થાને દરરોજ આ વિધિ થતી એ દરમિયાન એ સાધુઓને અને ગરીબોને ધનધાન્યનું દાન કરતો.
આ ધર્મપરિષદમાં બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાય પર ગોષ્ઠી યોજવામાં આવેલી. હીનયાન એ મહાયાન સંપ્રદાયમાં માનતા બૌદ્ધો વચ્ચે ઘણો વિવાદ સર્જાયો હતો. સમ્રાટ હર્ષે હયુ- એન- ત્સાંગના મતને ટેંકો આપ્યો હતો. જે મહાયાની હતો. આ પરિષદમાં બૌદ્ધો તરફ હર્ષવર્ધને પક્ષપાત દાખવ્યો હતો તેવા આક્ષેપો સહિત બ્રાહ્મણોએ ક્રોધિત થઈ બૌદ્ધ સ્તુપને આગ લગાડવાનું અને સમ્રાટની હત્યા કરવાનું કાવતરું કરેલું. જો કે આ કાવતરાનો પર્દાફાશ થતાં તેમાં સંકળાયેલા બ્રાહ્મણોને આકારો દંડ કરવામાં આવ્યો હતો. આ બધી બાબતો સમ્રાટ હર્ષ બૌદ્ધ ધર્મી હતો તે સ્પષ્ટ કરે છે. તે દર પાંચ વર્ષે પ્રયાગમાં મોક્ષ પરિષદનું આયોજન કરી અઢળક સંપતિનું દાન કરતો. કનોજની ધર્મપરિષદ બાદ પ્રયાગમાં આવી 6ટ્ઠી પરિષદમાં હયુ- એન- ત્સાંગે હાજરી આપી હતી. બૌદ્ધ ધર્મમાં વિશેષ આસ્થા ધરાવતા હર્ષે શૈવધર્મ ત્યાગી બૌદ્ધધર્મ અંગીકાર કર્યો હતું તેવો સ્પષ્ટ માનવું ભૂલભરેલું છે. તે શૈવધર્મમાં હજીયે એટલીજ આસ્થા ધરાવતો.
વિધ્યા,કલા અને સાહિત્ય પ્રત્યે તે ઘણો અનુરાગ રાખતો. તેના દરબારમાં સાહિત્યના શ્રેષ્ટ કહી શકાય તેવા ગધ્ય અને બાણ રહેતા જેમણે સંસ્કૃતમાં હર્ષચરિતમ અને કાદંબરી જેવા ગ્રંથો લખ્યા હતા. મયૂરભટ્ટ પણ હર્ષનો આશ્રિત કવિ હતો. સૌરાષ્ટ્રના એક વિદ્ધાન કવિ જયસેન પણ તેના માનીતા કવિ હતા. સમ્રાટ હર્ષે પોતે પણ સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામની બે નાટકોની રચના કરી હતી. સાથેસાથે બૌદ્ધ જાતકકથાનું વિષયવસ્તુ લઈ નાગનંદ નામનું અન્ય એક નાટક પણ લખ્યું હતું. કેટલાક વિદ્ધાનો આ ત્રણેય કૃતિઓ હર્ષની હોવા વિષે શંકા દાખવે છે.
પ્રાચીન ભારતના મૌર્ય રાજવીઓની કે ગુપ્તરાજવીઓની જેમ તેણે વિદેશી સત્તાઓ સાથે મૈત્રી સંબંધો કેળવ્યા હતા. ઇ.સ. 641માં તેણે પોતાના એક એલચીને ચીનના રાજા તાહ- ત્સુગ પાસે વિચારવિમર્શ કરવા મોકલ્યો હતો. તો ઇ.સ. 643માં ચિનમાથી એક દુતમંડળ તેના દરબારમાં આવ્યું હતું અને એક એલચી પણ આવ્યો હતો. આ દૂતમંડળમાં વાંગ- યુઆન-ત્સે નામનો અધિકારી ચીનમાં જઈ ફરી એક વખત ભારતમાં હર્ષની મુલાકાતે આવ્યો હતો. હયુ- એન-ત્સાંગે હર્ષ વિષે ચીનના રાજાને વિશિષ્ટ માહિતી આપતા ચીને 646 માં એક ત્રીજું દુતમંડળ હર્ષવર્ધનની મુલાકાતે મોકલ્યું હતું. તે દુતમંડળ ભારતમાં હર્ષની મુલાકાત લે તે પૂર્વે ઈ.સ. 647માં હર્ષવર્ધનનું મૃત્યુ થયું હતું.
કનોજનો યશોવર્મા : હર્ષના મૃત્યુ પછી લગભગ ૫૦ વર્ષ બાદ યશોવર્મા કનોજનો રાજા બન્યો. જેણે ઈ.સ. 700 થી 740 સુધી શાસન કર્યું. વાકપતિ નામના કવિએ રેચલ પ્રાકૃત કાવ્ય ગૌડવહોમાં તેના ચરિત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. નાલંદાનો અભિલેખ યશોવર્મા સાથે સંકળાયેલ છે જે તેનું આધિપત્ય મગધથી લઈને ગૌડ સુધી પ્રવર્તતું હતું એવું જણાય છે. બરાબર આ સમયે ભારતની પશ્ચિમી સીમાએ આરબોએ આક્રમણ કરી પોતાની સત્તાની સ્થાપના કરી હતી. તેના પ્રબળ પ્રતિસ્પર્ધી તરીકે કશ્મીરનો શક્તિશાળી રાજા લલિતાદિત્ય હતો. યશોવર્માએ બુદ્ધસેન નામના તેના અમર્ત્યને ઈ.સ. 731માં રાજદૂત તરીકે ચીનમાં મોકલ્યો હતો. 736માં લલિતાદિત્યે પણ પોતાના દૂતને ચીન મોકલ્યો હતો. યશોવર્મા અને લલિતાદિત્ય વચ્ચે સામ્રાજય વિસ્તારને લઈને ખૂબ સંઘર્ષ થયો અને અંતે યશોવર્માનો પરાજય થયો. રાજા લલિતાદિત્યે કાશ્મીરથી લઈને પૂર્વના સમુદ્રવિસ્તાર સુધી વિશાળ સામ્રાજયની રચના કરી યશોવર્માની સત્તાનો સંપૂર્ણ અંત આણ્યો. યશોવર્મા કળા, સાહિત્યનો આશ્રયદાતા હતો. વાકપતિ અને ભવભૂતિ જેવા મહાકવિઓ તેના દરબારમાં બિરાજતા. ભવભૂતિએ સંસ્કૃત સાહિત્યનુ ઉત્તમ કહી શકાય તેવું ઉત્તરરાંમચરિત નામનું નાટક અહિજ રચ્યું હતું.
દક્ષિણાપથના ચાલુક્યો : દક્ષિણમાં હર્ષવર્ધનના સમયથી જ ચાલુક્યો પ્રબળ આધિપત્ય ભોગવતા હતા. જે 8મી સદીના મધ્યભાગ સુધી રહી હતી. તેઓ મૂળ કોશલ એટલે કે અયોધ્યાના રાજાઓમાથી ઉતરી આવ્યા હોવાની માન્યતા છે. ચાલુક્યોએ મહારાષ્ટ્રમાં રાજ્ય કરતા રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. આ રાજાઓમાં સત્યાશ્રય જે પુલકેશી બીજા તરીકે ઓળખાતો હતો. તે આ વંશનો સૌથી શક્તિશાળી રાજા ગણાવી શકાય. તેણે દક્ષિણ ભારતમાં કદંબો, માહેશ્વરના ગંગો,અળૂપો, કોંકણના મૌર્યો વગેરેને હરાવી દક્ષિણપથના સ્વામી કે પરમેશ્વરનું વિશિષ્ટ બિરુદ ધારણ કર્યું હતું. એટલું જ નહીં લાટ, માલવ અને ગુર્જર રાજાઓને પણ પોતાના પ્રભાવ નીચે આણ્યા હતા. ઉત્તરાપથના સ્વામી હર્ષવર્ધનની સત્તાને નર્મદા નદીથી આગળ વિસ્તારવા દીધી ન હતી. તેણે હર્ષવર્ધનને હરાવ્યો હતો. કેટલાક વૃત્તાંતોમાં પુલકેશીએ કર્ણાટક મહારાષ્ટ્ર અને કોંકણ એવા ત્રણ મહાન રાષ્ટ્રોનો આધિપતિ તરીકે વર્ણવાયો છે. ગોદાવરી સુધીના પ્રદેશો તેણે સાર કર્યા હતા અને 40 વર્ષો તેણે શાસન કર્યું હતું. લગભગ સમસ્ત દક્ષિણ ભારતમાં દિગ્વિજય પ્રાપ્ત કરી તે પૂર્વ તથા પશ્ચિમ સમુદ્રનો અધિપતિ બન્યો. તેનાથી માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ તેની ખ્યાતિ વધી હતી. ઇરાનના શહેનશાહ ખૂસરું બીજા સાથે તેણે મૈત્રીપૂર્ણ સંબંધો હતા જ્યાં તેનો એક એલચી તેણે મોકલ્યો હતો. અજંતાના એક ચિત્રમાં એક ઈરાની વ્યક્તિનું ચિત્ર જોવા મળે છે જે ઇરાનના રાજાએ પુલકેશીના દરબારમાં મોકલેલ ઈરાની એલચી હોવાનું જણાય છે. હયુ- એન- ત્સાંગે પણ તેની શક્તિના વખાણ કર્યા હતા. અહોબી નામના સ્થળે આવેલ શિલાલેખમાં એક જૈન રવિકિર્તીએ પુલકેશી બીજાની પ્રશસ્તિ કોતરાવી છે. ઈ.સ. 642માં પુલકેશી પલ્લવો સાથેના યુદ્ધમાં માર્યો ગયો અને ક્રમશ: તેમની સત્તા અસ્ત પામી.
કાંચીના પલ્લવો : પ્રાચીન ભારતમાં ગુપ્તકાલની શરૂઆતમાં પણ કાંચીમાં પલ્લવ વંશ અસ્તિત્વ ધરાવતો હતો. મહાબાલિપુરની અદભૂત કલા અને કવિ ભારવિ કાંચી સાથે સંકળાયેલ હતા. અનુગુપ્તકાળ માં મહેંદ્રવર્મા પ્રથમ પલ્લવ વંશમાં શક્તિશાળી રાજા થઈ ગયેલો. તે મત્તવિલાસ, વિચિત્રચિત્ત, ચૈત્યકારી, ચિત્રકારપ્પુલી જેવા વિભિન્ન નામો ધારણ કરનાર રાજવી હતો. મહેંદ્રવર્મા શૈવ ધર્મ અને જૈન ધર્મ બંનેમાં માનનાર હતો. તેણે મત્તવિલાસ પ્રહસન નામનો એક ગ્રંથમ લખ્યો હતો. જેમાં બૌદ્ધ ધર્મ અને કાપાલિક સંપ્રદાયમાં પ્રવેશેલ અનિષ્ટો ઉપર વ્યાગાંમત્મક કટાક્ષ કરેલો છે. તેણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની અનેક મૂર્તિઓ અને શિલાઓમાં કંડારાયેલ મંદિરો બનાળાવ્યા હતા. મહેંદ્ર વર્મા પછી ગાદીએ આવેલ નરસિહ વર્માએ ચાલુકયોની રાજધાની વાતાપિ જીતી વાતાપીકોન્ડ બિરુદ ધારણ કર્યું હતું. તેણે શ્રીલંકાની રાજગાદીના ઝગડામાં પણ મધ્યસ્થી કરી હતી. મહાબાલિપુરમથી નૌસેનાના માદયમથી શ્રીલંકા પર માનવર્માની તરફેણમાં યુદ્ધ કરી તેને શ્રીલંકાની ગાદી અપાવી હતી. નરસિહ વર્મા મહામલ્લ તરીકે ખ્યાતિ પામેલો. કાંચીના પૂર્વાભાગે સમુદ્રકિનારે તેણે એક બંદર અને નગરનો વિકાસ કરેલો. જે તેના નામ પરથી મહામલ્લપુરમ તરીકે અને વર્તમાનમાં મહાબલીપુરમ તરીકે પ્રખ્યાત છે. તેણે આ નગરમાં શિલાઓને કોતરીને રથ આકારના શિવ મંદિરો બંધાવ્યા હતા. નરસિહ વર્મા પલ્લવ વંશના શ્રેષ્ટ શાસક ગણાવી શકાય. આ વંશમાં નરસિહ વર્મા બીજો જે રાજસિહ તરીકે પ્રખ્યાત થયો હતો. તેણે મહાબલિપુરમના સમુદ્ર તટે ભવ્ય મંદિર અને કાંજીવરમમાં રાજસિંહેસ્વર નામનું સુંદર કૈલાસનાથ મંદિર બંધાવ્યું હતું. કવિ દંડીએ પોતાના ગ્રંથ કાવ્યાદર્શમાં તેનો ઉલ્લેખ કરેલો છે. ઇ.સ. 720માં ચીનમાં પોતાનું દૂતમંડળ તેણે મોકલ્યું હતું. નંદવર્મા નામનો આ વંશમાં થયેલ શાસક અસ્વમેઘ યજ્ઞ કરનાર અને પલ્લવ મલ્લ તરીકે જાણીતો હતો. તેણે કાંજીવરમમાં વૈકુઠ પેરૂમલ મંદિર અને મુકતેશ્વર મંદિર બંધાવ્યા હતા. નંદવર્મા પછી કાંચિના પલ્લવો ક્રમશ: લુપ્ત થતાં ગયા.
વલભીના મૈત્રકો : ગુપ્તકાળના પતનારંભે ગુજરાતનું મૈત્રકકાલીન વલભી રાજ્ય તત્કાલિન ભારતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. છેલ્લા શક્તિશાળી ગુપ્ત રાજવી સ્કન્દગુપ્તના અવસાન પછી સેનાપતિ ભટ્ટાર્કે સૌરાષ્ટ્રના વલભીમાં પોતાનો સ્વતંત્ર મૈત્રીક રાજવંશ શરૂ કર્યો. ઇ.સ. 500માં તેના પુત્ર દ્રોણસિહને ગુપ્તરાજા પરમસ્વામીએ રાજા તરીકે માન્યતા આપતા આ રાજવંશ સ્વતંત્ર રીતે મજબૂત બન્યો. ગુહસેન નામનો મૈત્રક રાજા પરમશૈવધર્મી અને બૌદ્ધ ધર્મી હતો. આ વંશમાં શિલાદિત્ય રાજાના સમયમાં મૈત્રકોની સત્તા કઠિયાવાડથી મધ્ય ભારતના મળવા સુધી પ્રસરી હતી. શિલાદિત્ય ધર્માદિત્યા તરીકે પણ ઓળખાતો. વલભીમાં તેણે એક બૌદ્ધ વિહાર બંધાવી તેમાં ભગવાન બુદ્ધની પ્રતિમાઓ પધરાવી હતી. આ વંશનો રાજા ધુવસેન સમ્રાટ હર્ષવર્ધનનો જમાઈ હતો. પ્રખ્યાત ચીની મુસાફર હયુ- એન- ત્સાંગે ઇ.સ. 640માં વલભી અને જૂનાગઢની મુલાકાત લીધી હતી.તેણે રાજા ધ્રુવસેન વિષે વિવરણ આપ્યું છે. આ રાજા વ્યાકરણ (પાણીનીતંત્ર ) માં પણ પારંગત હતો. ઇ.સ. 726માં સિંઘના આરબ હાકેમ જૂનૈદે ગુજરાત પર આક્રમણ કર્યું હતું. વલભીના રાજા શિલાદિત્ય પાંચમાએ તેણે હરાવ્યો. ફરી એક વખત 758માં પણ આરબોનું એક આક્રમણ થયેલું પરંતુ તે પણ નિષ્ફળ ગયેલું. સિંઘના રાજા પુષ્યેણને વલભીએ આશ્રય આપી ઘૂમલીમાં નાની ઠકરાત સ્થાપી આપી હતી. ઇ.સ. 788ની આસપાસ સિંઘના આરબોએ વલભી પર શિલાદિત્ય સાતમાના સમયમાં આક્રમણ કરી તેને હરાવ્યો અને વલભીનો નાશ કર્યો.
રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો : ગુપ્ત સામ્રાજ્યના અસ્ત બાદ દક્ષિણ રાજસ્થાનના આબુની આસપાસ ગુર્જર રાજવંશની સ્થાપના થઈ. કેટલાક વિદ્ધાનોના મતે આ ગુર્જરો હૂણ પ્રજાની સાથે આવેલા વિદેશીઓ હતા અને હિમાચલથી વિંધ્યપર્વત સુધીના પશ્ચિમ ભાગમાં આવેલા વિભિન્ન પ્રદેશોમાં વસતા રહ્યા હતા. વર્તમાન સમયે પણ ગુર્જરો આ પ્રદેશોમાં જોવા મળે છે. પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં ગુર્જરો મોટી સંખ્યામાં વસ્યા હતા. 6ટ્ઠી સદીમાં તેમણે રાજસ્થાનના દક્ષિણ ભાગમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરતાં. તેમના નામ પરથી તેમનું રાજ્ય ગુર્જરદેશ તરીકે ઓળખાયું. તેનો મૂળ સ્થાપક રાજા હરિશ્ચંદ્ર નામનો બ્રાહ્મણ હતો. તેના સંતાન પ્રતિહાર તરીકે ઓળખાતા હતા. જે એવું સુચવે છે કે હરિશ્ચંદ્ર અને તેના પૂર્વજો ગુપ્ત સામ્રાજ્યના કાળમાં મહેલોના પ્રક્ષક એટલે કે પ્રતિહાર તરીકે હોદ્દો ધરાવતા હશે અને ગુપ્ત વંશનું પતન થતાં જે નવીન તકો ઊભી થઈ તેનો લાભ લઈ હરીશચંદ્રે પણ અન્ય શક્તિશાળી માણસોની જેમ રાજ્યની સ્થાપના કરી હશે. તેના વંશમાં થયેલ નાગભટ્ટે મેડન્તક એટલેકે મેડતામાં રાજધાનીની સ્થાપના કરી હતી. હયું- એન- ત્સાંગ લગભગ 641માં ગુર્જર પરદેશની મુલાકાત લીધી હતી. ત્યારે તેનું પાટનગર ભીલ્લમાલ કે શ્રીમાળ હતું તે સૂર્યભક્તિનું કેન્દ્ર હતું અને સૂર્યપૂજા માટે ખાસ ઈરાનથી મગ જાતિના બ્રાહ્મણોને ત્યાં બોલાવવામાં આવેલા. સિંઘના આરબોના વખતોવખતના હુમલાઓને કારણે આ રાજ્યની સત્તા વિલય પામી હોય તેમ જણાય છે.
દક્ષિણ ગુજરાતનાં ગુર્જરો : દક્ષિણ ગુજરાતનાં નાંદોદમાં દદ નામના સામંતે સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. તેઓ ગુર્જરી વંશી આદિત્ય ભક્ત હતા. પછીથી આ વંશની રાજધાની ભરૂચમાં રાખવામા આવી હતી. તેમણે આરબોને પણ હરાવ્યા હતા. ચાલુક્ય અને રાષ્ટ્રકૂટ રાજાઓના સામ્રાજ્ય વિસ્તારને કારણે આ ગુર્જર રાજ્ય અસ્ત પામ્યું હોય તેમ જણાય છે.
ગૌડ નરેશ શશાંક : બંગાળનો દક્ષિણ-પૂર્વ ભાગ અનુગુપ્તકાળમાં વંગ દેશ તરીકે અને ઉત્તર- પશ્ચિમ ભાગ ગૌડ દેશ તરીકે જાણીતા હતા. ગુપ્તોની સત્તા અહી પ્રવર્તતી હતી. પરંતુ ગુપ્ત સામ્રાજ્ય વિલય પામતા તેમનાજ મહાસામંત શશાંકે ગૌડ રાજ નામ ધારણ કરી રાજ્ય સ્થાપ્યુ અને મુર્શિદાબાદ જિલ્લાનું રાંગામાતી ગામને કર્ણસુવર્ણ નામ આપી પાટનગર બનાવ્યું હતું. સમ્રાટ હર્ષવર્ધન સાથે તેનો સંઘર્ષ અવિરત ચાલતો રહ્યો હતો. લગભગ બંગાળ અને દક્ષિણ બિહાર સુધી તેનું શાસન પ્રવર્તતું હતું. શશાંક બૌદ્ધધર્મીઓને રંજાડવામાં આનંદ માણતો હતો. તેના મૃત્યુ બાદ બંગાળમાં રાજકીય વિઘટન સર્જાયું અને ક્રમશ: તે લુપ્ત થયું.
મગધના પશ્ચાત ગુપ્તો : મહાન ગુપ્તોનો અસ્ત થયા બાદ માધવગુપ્ત અને આદિત્ય સેન જેવા ઉત્તરકાલીન ગુપ્તો જોવા મળે છે.
કશ્મીરના કાર્કોટકો : કાશ્મીરમાં કાર્કોટ ( નાગવંશ ) ની સ્થાપના દુલર્ભવર્ધન નામના રાજાએ ઇ.સ. 627માં કરેલી. ઇ.સ.ની 12મી સદીમાં કાશ્મીરના ઈતિહાસકાર કલ્હણે રચેલ ઈતિહાસગ્રંથ રાજતરંગિણીમાં કાશ્મીરનો ઈતિહાસ વ્યવસ્થિત રીતે આપવામાં આવ્યો ચે. હયુ- એન- ત્સાંગે દુલર્ભવર્ધનના સમયમાં તેના રાજ્યની મુલાકાત લીધી હતી. આ વંશમાં લલિતાદિત્ય મુકતાપીર નામનો પ્રતાપી રાજા ઇ.સ. 742 માં ગાદીએ બેઠો. તેણે તિબેટથી લઈને પૂર્વ તરફના સમુદ્ર કિનારા સુધીના પ્રદેશો જીતી લીધા હતા. તેના સમયમાં કશ્મીર ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું. અપારસમૃદ્ધિને કારણે તેણે કાશ્મીરમાં સુંદર મહેલો મંદિરો અને મઠો બનાવ્યા હતા. તેના સમયનું માર્તડ મંદિર કલાની દ્રષ્ટિએ શ્રેષ્ટ સ્મારક ગણાવી શકાય.
નેપાળનો લિચ્છવી વંશ : નેપાળમાં લિચ્છવીઓની સત્તા ચાલતી હતી. તેઓ પશુપતિ મંદિરને દાન આપતા. ગુપ્ત સામ્રાજ્યના પતન બાદ તેઓ સમસ્ત નેપાળ પર પ્રસર્યા હોય તેમ જણાય ચે. તેના અગત્યના રાજવી માનદેવે માનગૃહ નામનો મહેલ, માનવિહાર નામનો પ્રખ્યાત બૌદ્ધવિહાર, માનાંક નામના સિક્કા અને માનેસ્વરી નામનો શક્તિ સંપ્રદાય ચલાવ્યો હતો. તિબેટના રાજાઓએ નેપાળ સાથે સતત સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.
કામરૂપ : આસામનું પ્રાચીન નામ કામરૂપ હતું. રાજા નારાયણ વર્માએ 6ટ્ઠી સદીની શરૂઆતમાં ગુપ્ત સામ્રાજ્યનું આધિપત્ય ફગાવીને મહારાજાધિરાજ પદવી ધારણ કરી. આ રાજ્યનો વિસ્તાર કર્યો. પ્રાગજ્યોતિષપૂર એ તેની રાજધાની હતી. હયુ- એન- ત્સાંગે ભાસ્કર વર્માના સમયમાં કામરૂપની મુલાકાત લીધી હતી.
ઓડિસ્સા : ગુપ્ત સામ્રાજ્યના પતન બાદ ઓડિસ્સાના ઉત્તર ભાગે માનવંશ અને દક્ષિણ ભાગે શૈલોદવંશ સ્થાપયા હતા. જો કે ગૌડ નરેશ શશાંકના સામ્રાજ્ય વિસ્તારને કારણે ઓડિસ્સામાં બહુ મોટુ રાજ્ય હોય તેવું જણાતું હતું.
મેવાડ : આ સમયે ગુહદત્ત કે ગુહિલે મેવાડના ગુહિલોત વંશની સ્થાપના કરી. આ વંશમાં બાપા રાવલ નામનો એક શક્તિશાળી રાજા થયો. તેમની રાજધાની નાગદામા હતી. તેમણે આરબોનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો.
સિંઘ : સિંઘમાં ઇ.સ.ની 7મી સદીમાં શુદ્રવર્ણનો રાજા રાજ્ય કરતો હતો.ત્યર બાદ સાહસિરાય બીજાના સમયમાં ચચ નામના બ્રાહ્મણ મંત્રીનું આ રાજયમાં ઘણું વર્ચસ્વ હતું તેણે રજાના મૃત્યુ પછી તેની વિધવા રાણી સાથે લગ્ન કરી શાસન કબજે કર્યું હતું. ચચનામા નામનું પુસ્તક તેની કારકિર્દીનું વિસ્તૃત વિવરણ આપે છે. સિંઘમાં આરબોના આક્રમણ સમયે એટલે કે 712માં રાજા દાહદ શાસન કરતો હતો. આરબ મહમ્મદની ફોજે સિંઘના દેવલ બંદર પર હુમલો કરી ત્યાના લોકોની કતલ કરી. અહી ઘણા બૌદ્ધ ધર્મીઓ હતા. રાજા દાહર પૂર્વ તરફના કીલ્લામાં ભરાઈ રહ્યો હતો. દાહરના વિશ્વાસુઓને મોહમ્મદે પોતાના પક્ષમાં લઈ દાહરને હરાવ્યો હતો. મહમ્મદબિનકાસીમની સરદારી નીચી આરબ ફોજે સિંઘું- સૌવીરનો આ પ્રદેશ જીતી ભારતમાં મુસ્લિમ રાજયની સ્થાપના કરી.
અપરાંત : મુંબઈ પાસેના શુર્પારક કે સોપારા બંદરની આસપાસ ત્રેકૂટક નામના વંશની સત્તા પ્રવર્તતી હતી. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ રાજાઓના તામ્રપત્રો મળી આવ્યા છે. અનિરુદ્ધપુર તેમની રાજધાની હતી અને મુંબઈ પાસેની કન્હેરીની ગુફાઓમાં આવેલા બૌદ્ધ ચૈત્યોમાં આ ત્રૈકૂટક રાજાઓએ મહાવિહારની રચના કરાવી હતી. ચાલુક્યોએ તેમણે હરાવતા તેની સત્તાનો અંત આવ્યો.
માહિસ્મતીના કલ્ચુરીઓ : આ કલ્ચુરીઓ મૂળત: વિદેશથી આવીને ભારતમાં વસ્યા હોય તેવું જણાય છે. તેમની રાજધાની મહિસ્મતી હતી. ભરુચ સુધી તેમના દાનપત્રો મળે છે. દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને કોંકણના ઉત્તર ભાગમાં તેમનું શાસન ચાલતું હતું. આ વંશનો સ્થાપક ક્રુષ્ણરાજ હતો. તેના સિક્કા નંદીના ચિન્હથી અંકિત થયેલા મળી આવ્યા છે. ચાલુક્યોના આક્રમનોને કારણે તેમના રાજ્યનો અંત આવ્યો.
આંધ્ર : આંધ્રમાં વિષ્ણુકુંડ નામના સ્થળે વિષ્ણુકુંડીઓએ સત્તા સ્થાપી હતી. વિક્રમહેન્દ્ર કે વિક્રમમહેન્દ્ર તેનો મુખ્ય રાજા હતો. ઇષ્ટપુર એ તેમનું પાટનગર હતું.
આ સિવાય અનુગુપ્તકાળમાં કલિંગના પૂર્વીગંગો, દક્ષિણ કોસલમાં એટલે કે અયોધ્યાની આસપાસ સુર રાજાઓ, પાંડુવંશીઓ, સોમવંશીઓ, કુંતલ જે દખ્ખણમાં આવેલુ છે. તેના કદમ્બો અને તેની દક્ષિણે કન્નડ પરદેશમાં ઉડીપીમાં આવેલ આળુપો, કર્ણાટકમાં પશ્ચિમી ગંગો, આંધ્રપ્રદેશના બાણવંશી રાજાઓ અને તામિલનાડુમાં કણભ્ર અને પછીથી પાંડય રાજાઓની સત્તા પરવર્તી હતી. આ બધામાં હર્ષવર્ધન, પુલકેશી દ્ધિતીય, લલિતાદિત્ય ગુપ્તાપીડ અને કેટલાક મૈત્રકો રાજવીઓ શક્તિશાળી હતા. પરંતુ ગુપ્તકાળ બાદ આમાની કોઈ પણ સત્તા એક મહાન સામ્રાજ્યનું નિર્માણ કરવામાં નિષ્ફળ નીવડી. રોમન સામ્રાજ્યના પતન પછી ભારતનો વિદેશ વેપાર પણ ઘટતો જતો હતો. તો બીજી તરફ મધ્ય એશિયામાં ઈસ્લામી સ્થાપનાથી સંગઠિત થયેલા આરબો વિશ્વ રાજકારણમાં મહત્વ ધારણ કરી રહ્યા હતા અને ભારત સુધીના દરિયાઈ વેપાર પર પોતાનું આધિપત્ય જમાવવા તેમજ અનેક વિસ્તારોમાં પોતાનું રાજ્ય સ્થાપવા થનગની રહ્યા હતા.તેવે સમયે ટેકનોલોજિકલ ડેવલપમેન્ટ વગરના અને વ્યવસ્થિત શિક્ષણના અભાવવાળો ભારતીય સમાજ તેમજ વેરવિખેર રાજતંત્ર ભારતભરમાં એકસમાન રાજતંત્ર કે વહીવટતંત્ર ની સ્થાપના કરી શકે તેવું જણાતું નથી. ગુપ્તકાલીન જાહોજલાલીની જગ્યાએ સ્થિરતા અને સંપનતા આ કાળમાં ભારતમાં ઘટી હોય અને ઘણે અંશે તેમાં સાંસ્ક્રુતિક અવનતિ પણ થઈ હોય તેવું જણાય.
અનુગુપ્તકાલીન આર્થિક સ્થિતિ : ખાસા કરીને ચીની પ્રવાસીઓએ તત્કાલિન ભારતની આર્થિક પરિસ્થિતી વિષે વિશિષ્ટ વિવરણો આપ્યા છે. ડાંગર, ઘઉં, જેવા ધાન્ય. શેરડી, બદામ, દ્રાક્ષ, દાડમ, કેરી, તરબૂચ જેવા ખાધ્ય પદાર્થોની ખેતી અહી થતી હતી. કાપડ ઉધ્યોગ સૌથી નોંધપાત્ર હતો. લોકો સિવ્યા વગરના કપડાં પહેરતા હતા. હાથીદાંત, જરજવેરાતને લગતી કલાઓનો વિકાસ થતો હતો. ભારત દરિયાઈ વેપારના માર્ગે મધ્ય એશિયા, શ્રીલંકા અને ઇંન્ડોનેશિયાના ટાપુઓ સાથે સંકળાયેલું હતું. વલભી અને તામ્રલિપ્તિ તથા ભરુચ મહત્વના બંદરો હતા. હયુ- એન- ત્સાંગના મતે સોના- ચાંદી અને તાંબું ભારતમાં બહુમોટા પ્રમાણમાં પેદા થતું. હયુ- એન- ત્સાંગે નોંધ્યું છે એ પ્રમાણે ઘણાં શહેરો વેરાન થઈ ચૂક્યા હતા. જો કે પ્રજા એકંદરે સુખી હતી. સમ્રાટ હર્ષવર્ધન ઈરાનથી ઘોડાઓની આયાત કરતો.
ધર્મ અને તત્વજ્ઞાન : આ સમયે વૈદિક સ્વરૂપ કરતાં ભિન્ન સ્વરૂપના હિન્દુ ધર્મને જોઈ શકાય છે. તેમજ બૌદ્ધ અને જૈન ધર્મના પણ ક્રમશ: પરિવર્તનશીલતા દેખાય છે. ભારતમાં ધીરે ધીરે બૌદ્ધધર્મ આ સમયમાં લુપ્ત થતો જોવા મળે છે. આ સમયમાં અનેક રાજવંશોએ શૈવધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. તેઓ પોતાને પરમ માહેશ્વરા કહેતા. શૈવ ધર્મનો પાશુપત સંપ્રદાય પણ ઘણો લોકપ્રિય હતો. દક્ષિણમાં બૌદ્ધ ધર્મનું પતન થઈ રહ્યું હતું. ત્યારે જૈન ધર્મ વિકસી રહ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો જેઓ નાયનમારો તરીકે ઓળખાતા તેઓ તેમની ભક્તિને કારણે ખૂબ પ્રખ્યાત હતા. તેમાના એક તિરુમૂલરે તિરુમંદિર નામનું શૈવ આગમ રચ્યું હતું. જે શુદ્ધ શૈવ સિદ્ધાંત તરીકે પ્રચલિત થયું. માણિકવાચકર નામના એક શૈવ સંત મદુરાની પાસે આવેલ વાદવુરમાં થઈ ગયા. જે પ્રકાંડ પંડિત હતા. તેમણે શૈવધર્મનો ખૂબ વિકાસ કર્યો. ચિદમ્બરમના આ સંતે શ્રીલંકાના બૌદ્ધ વિદ્ધાનોને ધર્મગોષ્ટિમાં પરાજિત કર્યા હતા. તેમનો ગ્રંથ તિરુવાચકમ તામિલ ભાષાના ધર્મસાહિત્યમાં ઉપનિષદ જેટલું મોખરાનું સ્થાન ધરાવે છે. અપ્પર નામના એક મહાન શૈવ સંત પણ આ સમયે થઈ ગયા.સંબન્ધર નામના એક અન્ય મોખરાના શૈવ સંત મદુરામાં આ સમયે થઈ ગયા. તેમણે અનેક સ્તોત્રોની રચના કરી હતી. સુંદરર કે સુંદરમુર્તિ નામના એક અન્ય શૈવ સંત પણ 8 મી સદીમાં થઈ ગયા. અત્યારે હાલ પણ તેમના શિવ સ્તવન એટલા જ પ્રખ્યાત છે. આ કાળના શિવમંદિરોમાં એલોરાનું શિવગુફામંદિર ખુબ જ પ્રખ્યાત છે.
વૈષ્ણવ સંપ્રદાયનો મહિમા ગુપ્ત સામ્રાજ્યના પતન પછી થોડોક ધટયો હોય તેમ જણાય છે. વિષ્ણુ તેમના 24 સ્વરૂપો તરીકે પુંજાતા હતા. દક્ષિણમાં રંગસ્વામી કે રંગનાથ તરીકે વિષ્ણુ પૂજાતા પલ્લવ રાજાઓએ અનેક વિષ્ણુ મંદિરો બંધાવ્યા હતા. દક્ષિણ ભારતના આલવાર સંતોએ વૈષ્ણવ ધર્મનો ઘણો વિકાસ કર્યો હતો. આ સમયમાં સૂર્યઉપાસના પણ મહત્વ હતી. ઘણાં રાજાઓ પોતાને આદિત્યભક્ત કહેવડાવતા હતા. શક્તિની આરાધના પણ આ સમયમાં વિભિન્ન સ્વરૂપે થતી જોવા મળે છે. તો કાર્તિકેય અને ગણેશ પણ અગત્યના ગણાવી શકાય. કુમારિલ ભટ્ટ, ગૃહ પ્રભાકર અને શાલિકનાથ જેવા વિદ્ધાનોએ વૈદિક શાસ્ત્રો પર આ સમયે ટીકાઓની રચના કરી. બોદ્ધ ધર્મ પણ અનુગુપ્ત કાળમાં ધીમે ધીમે લુપ્ત થતો જણાય છે. તેના હીનયાન, સર્વાસ્તિવાદ, સંમ્મિતીવાદ જેવા સંપ્રદાયો ભારતના વિવિધ ભાગમાં પ્રચલિત હતા. તેમના લગભગ 18 નિકાય ( વર્ગ ) જોવા મળે છે. અને દરેક નિકાયને પોતપોતાના ત્રિપિટક હતા.
ભાષા અને સાહિત્ય : આ સમયમાં સંસ્કૃત ભાષામાં મોટી માત્રામાં સાહિત્ય રચાયું હતું. તો પ્રકૃત ભાષાઓ જેમાં માગધી, મહારાષ્ટ્રી અને સૌરસેનીનો સમાવેશ થાય છે. તેમાં પણ ઘણું સાહિત્ય રચાયું હતું. ગુપ્તકાળ દરમિયાન બ્રાહ્મી લિપિ, ગુપ્તલિપિમાં પરીવર્તન થઈ હતી. તે અનુગુપ્તકાળમાં કુટિલલિપિ તરીકે ઓળખાતી હતી. રાજાઓના તામ્રપત્રો, દાન શાસનો, શિલાલેખો કે અન્ય અભિલેખો સંસ્કૃત ભાષામાં લખાતા. ભવભૂતિએ ઉત્તરરામચરિત આ સમયમાં લખ્યું. આ સમયમાં ભારવીએ કિરાતાર્જુનીય, માઘે શિશુપાલવધ જેવા મહાકાવ્યોની રચના કરી. કવિ ભારવી પુલકેશી બીજાના સમયમાં થઈ ગયા. 7મી સદીના માઘ ગુર્જર રાજ્યના હતા. માઘકાવ્યનામનો તેમનો ગ્રંથ પણ ઘણો પ્રખ્યાત હતો. કવિ ભટ્ટીએ રેચલ રાવણવધ કે ભટ્ટી કાવ્યની રચના વલભીમાં થયેલી. તે એક નવીન પ્રકારનું મહાકાવ્ય ગણાવી શકાય. તેમાં કથાકાવ્ય અને શાસ્ત્રકાવ્ય એમ બે હેતુઓ સ્પષ્ટ થાય છે. શતક કાવ્ય એટલે કે સો શ્લોકોવાળા કાવ્યની કૃતિઓ એ આ કાળમાં વિકસેલ વિશિષ્ટ સાહિત્ય કહી શકાય. કવિ ભર્તુહરીએ શુંગારશતક, નીતિશતક અને વેરાગ્યશતક જેવા ત્રણ શતકકાવ્યો રચ્ચા હતા. જેમાના અનેક શ્લોકો સંસ્કૃત સાહિત્યમાં ખૂબ ખ્યાતિ પામ્યા છે. કવિ અમારુએ રેચલ અમરુશતક શુંગારવિષયક શતકકાવ્ય છે. તો કવિ મયુરે રચેલું સૂર્યશતક અને બાણભટ્ટે રચેલું દેવીશતક ભક્તિપ્રધાન શતકકાવ્યો છે. વૈષ્ણવ આલવારોની સ્તવનકૃતિઓને શ્રીનાથ મુનિએ નાલાયિરપ્રબંધમ નામના ગ્રંથમાં સંગ્રહિત કરેલી છે. પેરિયાલવાર નામના અલવાર સંતનું તિરુપલ્લાડું પણ આ કાળનો મહત્વનો ધાર્મિક ગ્રંથ ગણાવી શકાય. ભવભૂતિ જે વિદર્ભના હતા અને કનોજના રાજા યશોવર્માના રાજદરબારી કવિ હતા. તેમણે વ્યાકરણ મિમાસા અને ન્યાય પર વિશાદ લખાણ કર્યું છે.માલતિમાધવ એ તેમનું મુખ્ય સર્જન હતું. ભટ્ટનારાયણે વેણીસંહાર નામના નાટકની રચના કરી હતી. રાજા યશોવર્માએ રામ અભ્યુદય નામના નાટકની રચના કરી હતી. પંચતંત્રની રચના ઇ.સ. 1લી સદીથી ઇ.સ.ની 5મી સદી વચ્ચે થઈ હોય તેમ જણાય છે. તંત્રખ્યાક્યાં નામની એક પ્રાચીન પરંપરા કાશ્મીરમાં આ કાળમાં થઈ હોય તેવું જણાય છે. કવિ દંડીએ દશકુમારચિતની રચના કરી હતી. કથા સાહિયતમાં પ્રાકૃત ભાષામાં હરિભદ્રસુરીએ સમરાઇચકહાનું સર્જન કર્યું હતું. કવિ વાપપતિએ ગૌડવહો નામનો ગ્રંથ રચ્યો હતો. ભાગવતપુરાણની રચના આ કાળમાં થઈ હોય તેમ જણાય છે. અસહાય નામના વિદ્ધાને માનું અને નારદની સ્મૃતિઓ ઉપર ટીકા લખી હતી. કામાન્દેકે નીતિસાર નામની ટીકા રચી હતી. જે કૌટિલ્યના અર્થશાસ્ત્ર ઉપરથી પધ્યમાં રચવામાં આવેલ વરાહમિહિરે બૃહદહતાસંહિતાની રચના કરી. અમરે નામલિંગાનુશાસન નામનો સંસ્કૃત શબ્દકોશ આપ્યો. ખગોળ જ્યોતિષશાસ્ત્રમાં બ્રાહ્મગુપ્તે ઇ.સ. 628માં બ્રાહ્મસિદ્ધાંતની રચના કરી. આ સમયે આયુર્વેદના 8 અંગ વિકાસ પામ્યા હતા. વાઘભટ્ટ નામના આયુર્વેદાચાર્યે અષ્ટાંગહદય નામની મહત્વપૂર્ણ ચિકિત્સા પુસ્તકની રચના કરી. અન્ય એક વાઘભટ્ટે અષ્ટાંગહદયહતાસંહિતાની રચના કરી.
સ્થાપત્ય : આ સમય દરમિયાન સ્થાપત્ય કલામાં ખાસ કરીને શિલાઓ કોતરીને ચણતરની પદ્ધતિ મુખ્યત્વે જોવા મળે છે. અજનતાના શૈલગૃહોમાં આ કાળે એક ચૈત્યગૃહ અને કેટલાક વિહારોની રચના થઈ. હયુ- એન- ત્સાંગે મહારાષ્ટ્રમાં કેટલાક વિહારોનો નિર્દેશ કરેલો છે. ઔરંગાબાદ પાસે આવેલા ઇલોરામાં બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણેય સંપ્રદાયોના શૈલ સ્થાપત્યો જોવા મળે છે. વિસ્વકર્મા ગુફા અથવા સુતાર ઝોપડી નામની ચૈત્ય ગુફા આ સમયની મહત્વની કલાનો નમૂનો ગણાવી શકાય. બાઘની ગુફાઓમાં પણ કેટલીક ગુફાઓ આ સમય દરમિયાનની જણાય છે. જે અજંતાની ગુફાઓ સાથે સામી ધરાવે છે. વાતાપીમાં આવા શૈલ સ્થાપત્યોના દેવાલય જોવા મળે છે. આ કળાનો અહી ઘણો વિકાસ થયેલો છે. અનેક ગુફાઓ શિલ્પકૃતિઓથી થયેલી જોવા મળે છે. મહેંદ્રવર્માન પલ્લવ રાજાના સમયમાં આવા દેવાલયો ઈંટ, ચૂનો,ધાતુ અને લાકડા વગર સર્જવામાં આવ્યા હતા. મામલ્લપુરમ અને રથમંદિરો એ પલ્લવકલાના ઉત્કૃષ્ટ નમૂના ગણાવી શકાય. મુંબઈ પાસે આવેલ ધારાપુરી ( એલિફન્ટા ) અને જોગેસ્વરીમાં પણ એલોરા પ્રકારનું સ્થાપત્ય જોવા મળે છે. એલોરાના સૌથી શ્રેષ્ઠ કલાના નમૂના તરીકે તેનું કૈલાશમંદિર ગણાવી શકાય. જેની રચના રાષ્ટ્રકૂટ રાજા ક્રુષ્ણ પ્રથમે કરાવી હતી. પટ્ટડકલમાવિરૂપાક્ષ મંદિર પણ કાંચીપુરના કૈલાશમંદિર જેવુ જ સ્થાપત્ય દર્શાવે છે. છોટાકૈલાશ ટેરિકે એલોરામાં એક શૈલ જીનાયલ પણ આ સમયનું મહત્વનુ સ્થાપત્ય ગણાવી શકાય. ઉત્તર ભારતની નાગરશૈલી જે ગુપ્તકાળમાં વિકસી તેનું દર્શન દેવગઢના દસાવતાર મંદિર અને ભીતરગાંવના ઈટેરી મંદિરમાં થાય છે. પરંતુ તેનું ખરું સ્વરૂપ આ સમયમાં નાચનાકુઠારાને મહાદેવ મંદિર તથા શિરપુરના લક્ષ્મી મંદિરમાં જોવા મળે છે. દખ્ખણમાં ઉત્તરની નાગર અને દક્ષિણની દ્રવિડ શૈલીઓનું મિશ્રણ સ્થાપત્યમાં જોવા મળે છે. જેને મેસર શૈલી કહેવામા આવે છે. ગુજરાતમાં સુત્રાપાડા,કિનારખેડા, સોનાકંસારી, પાસ્તર, વઢવાણ, લાકરોડા, શામળાજી, રોડા, કંથકોટ, કેરા, કોટાય, જેવા સ્થળોએ આ કાળે ઉત્કૃષ્ટ મંદિરો નિર્માયા હતા. પુલકેશી બીજાના પરાજય બાદ ચાલુક્ય પાટનગર બાદામીથી પટ્ટદકલમાં સ્થાનાંતરીત કરવામાં આવ્યું. જ્યાં દસ જેટલા ઉત્કૃષ્ટ દેવાલયો મળી આવ્યા છે. દ્રવિડ શૈલીના મંદિરોમાં વિક્રમાદિત્ય બીજાના સમયની વિરૂપાક્ષ મંદિર અગત્યનું ગણાવી શકાય.
શિલ્પકલા : આ સમયે ભારતમાં પ્રચલિત વિભિન્ન ધર્મો સાથે સંકળાયેલ શિલ્પકલા દશ્યમાન થાય છે. જેમાં મહાકાય આકૃતિઓ તથા પૂલવેલ ભૌગોલિક આકૃતિઓ ગજ, સિહ જેવા પ્રાણીઓની આકૃતિઓ વિશિષ્ટ રીતે જોઈ શકાય છે. શાકય મુનિ બુદ્ધનની મૂર્તિઓ શિલ્પકલામાં અગ્રસ્થાને જોવા મળે છે. બુદ્ધના જીવન પ્રસંગોને શિલ્પરૂપે આલેખવામાં આવ્યા છે. એ જ રીતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ શિલ્પરૂપે કંડારવામાં આવ્યા છે. અન્ય દેવતાઓ અને દુર્ગાના સ્વરૂપો તથા અષ્ટ દિગ્પાલો તેમજ રામાયણ અને મહાભારતના પ્રસંગો દર્શાવતા શિલ્પો મંદિર પર મોટી માત્રામાં કોતરાયેલા છે. આદિનાથ ઋષભદેવના દ્ધિતીય પુત્ર બાહુબલી રાજા ગોમ્મટના નામ પરથી ગોમ્મટેશ્વર તરીકે ઓળખાય છે તેમની સુંદર પ્રતિમા આ સમયે તૈયાર થયેલી છે.
ચિત્રકલા : ગુપ્તાકાલીન ચિત્રકલા આ સમયે પણ અસ્તિત્વમાં હોય તેમ જણાય છે. ઘણી બધી ગુફાઓમાં બુદ્ધ સાથે સંકળાયેલ ચિત્રો જોવા મળે છે. એલોરામાં આવા ઘણા ચિત્રો દ્ર્શ્યમાન થાય છે. જેમાં શિવતાંડવ મહત્વપૂર્ણ છે. ઈન્દ્રસભા પણ સુંદર છે. બાઘની ગુફામાં વિપુલ પ્રમાણમાં ચિત્રો મળી આવ્યા છે જે અજંતાની ચિત્રશૈલી દર્શાવે છે. દ્રવિડ પરદેશમાં પલ્લવ સમયમાં ચિત્રકલાના ઉત્તમ નમૂના 7મી સદીના જોવા મળે છે. મામલ્લપુરમમા માનવ આકૃતિઓ ચિત્ર દ્વારા કંડારવામાં આવી છે. શૈવ ગુફા મંદિરોમાં પણ છતો અને દીવાલો પર આવા ચિત્રો જોવા મળે છે.
ઉપર્યુક્ત ચર્ચાને સમાપ્ત કરતાં કહી શકાય કે ગુપ્ત સમરાજયના પતન બાદ ગુપ્ત સંસ્કૃતનું પતન થયું નહોતું. આ પરંપરાની અસર પછીના સમય પર ઘણી પડી હતી. તેનું અનુકરણ સમસ્ત ભારતમાં જોવા મળે છે. તો સમયાતરે તેમાં કેટલાક પરિવર્તનો પણ જોવા મળે છે.
08:37 PM, 12-Nov-2018